સુરતમાં આ વર્ષે નવરાત્રિના ભવ્ય આયોજનોને વધુ સુરક્ષિત બનાવવા માટે આયોજકોએ અનોખી પહેલ કરી છે. ખેલૈયાઓ, ગાયક કલાકારો અને સમગ્ર કાર્યક્રમને સંભવિત જોખમોથી બચાવવા માટે આયોજકો દ્વારા 5 કરોડથી લઈને 20 કરોડ રૂપિયા સુધીના વીમા કવચ લીધા છે. આ વીમા કવચ આયોજકોને આગ, શોર્ટ સર્કિટ, કુદરતી આફતો, ટેક્નિકલ ખામી કે આતંકવાદી હુમલાં જેવા જોખમો સાથે કાર્યક્રમ રદ થવો કે ગાયક ન આવવા જેવી પરિસ્થિતિમાં પણ આયોજકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
‘સ્વર્ણ નવરાત્રિ’ના આયોજકે 20 કરોડનો વીમો લીધો
સુરતમાં આયોજકો હવે વધુ વ્યવસાયિક રીતે વિચારી રહ્યા છે. આ કારણોસર જ ‘સ્વર્ણ નવરાત્રિ’ના આયોજકે આ વર્ષે 20 કરોડ રૂપિયાનો વીમો લીધો છે જ્યારે ‘લિંબાયત ઝણકાર નવરાત્રિ’ના આયોજકે 5 કરોડ રૂપિયાની પોલિસી લીધી છે. આ વીમામાં માત્ર આયોજન સ્થળ અને સ્ટેજ જ નહીં પરંતુ, ખેલૈયા, ગાયક કલાકારો અને સમગ્ર કાર્યક્રમને પણ આવરી લેવામાં આવ્યા છે. વીમા કંપનીઓના મતે નવરાત્રિની શરૂઆત પહેલાં વીમો લેનારા આયોજકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

વરસાદ સામે કોઈ જ સુરક્ષા નહીં મળે
આ તમામ સુરક્ષા છતાં વરસાદ જેવો મોટો પડકાર હજુ પણ યથાવત છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાતાવરણ અચાનક બદલાઈ શકે છે અને આ વખતે તો વરસાદનું એલર્ટ પણ છે આમ છતાં, કોઈપણ વીમા કંપની વરસાદથી થતા નુકસાનનું કવર આપવા તૈયાર નથી. આયોજકોએ વરસાદથી બચવા માટે જાતે જ વ્યવસ્થા કરવી પડશે.
સુરક્ષા કવચમાં શું-શું સમાવિષ્ટ?
વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવતા કવરમાં અનેક સંભવિત જોખમોનો સમાવેશ થાય છે:
01.આગ અને શોર્ટ સર્કિટ: કાર્યક્રમ સ્થળ પર આગ લાગવા અથવા વીજળીના શોર્ટ સર્કિટથી થતા નુકસાનની ભરપાઈ.
02.કુદરતી આફતો: ભૂકંપ, પૂર, વાવાઝોડું, ચક્રવાત અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓથી થતા નુકસાન સામે કવર.
03.માનવસર્જિત જોખમો: આતંકવાદી હુમલા, રમખાણો, હડતાલ, નાસભાગ અને કોઈ દ્વારા ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના કિસ્સાઓમાં વીમા કવર.
04.ટેકનિકલ ખામી: જો વીજળી ગ્રીડ ફેઈલ થાય તો (જો આયોજકો પાસે જનરેટરની વ્યવસ્થા હોય તો) થતા નુકસાનની ભરપાઈ.
05.કાર્યક્રમ રદ થવો: સરકારના આદેશ પર અથવા રાષ્ટ્રીય મહત્વના કારણોસર કાર્યક્રમ રદ થાય તો પણ વીમા પોલિસી લાગુ થશે.